કંટોલા ના ફાયદા જાણો છો ?
વરસાદી મોસમનું સર્વગુણ સંપન્ન શાક એટલે કંટોલા કે કંકોડા
આપણે હંમેશાં આહારતજ્જ્ઞો તથા વડીલો પાસેથી સાંભળતા આવ્યા છીએ કે મોસમ પ્રમાણેનો આહાર જ તંદુરસ્ત સ્વાસ્થ્યની ગુરુચાવી છે. હાલમાં તો પ્રત્યેક ફળફળાદિ સ્વાદને ધ્યાનમાં રાખીને જ લોકો ખાતા હોય છે. આયુર્વેદમાં પણ ઉલ્લેખ જોવા મળે છે કે ઋતુ પ્રમાણેનો આહાર જ શ્રેષ્ઠ ગણાય છે. ચોમાસાની શરૂઆત થાય તેની સાથે ખાસ ફળફળાદિ તથા શાકભાજી બજારમાં જોવા મળે. જેમ કે કારેલાં, ભીંડા, કૂણું આદું, કંટોળાં તો ફળમાં રાસબરી-પ્લમ, જાંબુ વગેરે. કંટોલા વરસાદી ઋતુમાં જ બજારમાં જોવા મળે છે. અનેક સ્વાદપ્રેમી વરસાદી મોસમમાં કંટોલાની આતુરતાથી રાહ જોતા હોય છે. જેવાં કંટોલા દેખાયાં કે તરત જ તેનું શાક ચાર મહિના નિયમિત ધરાઈને ખાતા હોય છે.
શું આપ પણ કંટોલાના શોખીન છો? તો જાણી લો કંટોલાનો ઉપયોગ આહારમાં કરીને આરોગ્યના ફાયદા. તેને શરીરમાં લોહી બનાવવાનું મશીન પણ કહેવામાં આવે છે. મોટા ભાગે તો કંટોલાની છાલને હળવેથી છોલીને તેનું શાક બનાવવામાં આવે છે. તો કંટોલાની વિવિધ વાનગી પણ બનાવી શકાય છે. જેમ કે કંટોલાનું શાક, કંટોલાનાં ભજિયાં, કંટોલાની ચિપ્સ પણ બનાવી શકાય છે. કંટોલાનું અથાણું પણ બનાવી શકાય છે. કંટોલાનું રસાવાળું શાક પણ બનાવીને ખાવામાં આવે છે.
કંટોલાનું વૈજ્ઞાનિક નામ :- #મોમોરડીકા_ડાયોઈકા (Momordica dioica) છે અને તે #કુકરબીટેસી (Cucurbitaceae) કુળની વનસ્પતિ છે. અંગ્રેજીમાં જેને #સ્પાઈન_ગૉર્ડ સંસ્કૃતમાં #પીતપુષ્પા #કર્કોટકી કે #મહાજાલ હિન્દીમાં #ખેકસા કે #કંકોડા આસામીમાં #બટકરીલા તેલુગુમાં #આગાકર તમિલમાં #એગારવલ્લી બંગાળીમાં #બોનકરેલા મરાઠીમાં #કર્ટોલી કે #કંટોલે પંજાબીમાં #ધારકરેલા કે #કિરર તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતીમાં #કંટોલા કે #કંકોડાં તરીકે ઓળખાતું શાક #સર્વગુણ_સંપન્ન શાક કહેવાય છે. તે સર્વગુણ સંપન્ન શા માટે કહેવાય છે? તેવો પ્રશ્ર્ન આપના મનમાં થતો હોય તો ચાલો કંટોલાની ખાસ વાતો જાણી લઈએ.
કંટોલા બહુવર્ષાયુ અને દ્વિસદની સૂત્રરોહિ પ્રકારની વનસ્પતિ છે. (દ્વિસદની એટલે કે નર કંટોલા અને માદા કંટોલાના વેલ અલગ અલગ હોય છે.). પર્ણના આધાર પાસે આરોહણ માટે સૂત્ર (તંતુ) આવેલા હોય છે. બંને પ્રકારનાં વેલાના પર્ણ અને રચના અલગ અલગ હોય છે. નર ફૂલ પીળા રંગનું, તેમાં ફક્ત પુંકેસર અને નિપત્ર આવેલું હોય છે. માદા ફૂલો પણ પીળા રંગના અને ફક્ત સ્ત્રીકેસર ધરાવે છે. ફલન માટે નર કંટોલાના વેલા હોવા જરૂરી છે. ફળ લંબગોળ અને સપાટી ખરબચડી અને માંસલ હોય છે. ફળો કાચા હોય ત્યારે લીલા અને પાકે ત્યારે પીળાશ પડતાં કેસરી રંગના બને છે અને અંદરના બીજ ઘેરા લાલ રંગના જોવા મળે છે. તેને બીજ અને કંદ વડે ઉછેરી શકાય છે.
નાનાં અમથાં, દેખાવમાં લીલાંછમ, સ્વાદની વાત કરીએ તો લાજબાવ, સ્વાસ્થ્યની દૃષ્ટિએ જોઈએ તો અનેક ગુણોનો ખજાનો છુપાયેલો જોવા મળે. #શક્તિવર્ધક #તાકાતવાન બનાવનાર શાક એટલે જ કંટોલા તેવી પણ ઉપમા તેને આપવામાં આવી છે. પ્રકૃતિએ જ્યારે લીલીછમ જાજમ ચારેતરફ બિછાવી હોય તેવી મોસમ એટલે જ ચોમાસું. ચોમાસામાં જ ખાસ ઊગતાં કંટોલા દેખાવમાં પણ આકર્ષક લાગતાં હોય છે. થોડાં વર્ષો પહેલાં કંટોલાની વાત નીકળે એટલે નાનું નાનું લીલુંછમ કુદરતની કરામત ધરાવતું શાક આંખો સમક્ષ દેખાય. હવે તો કંટોલા પણ નાના જામફળની સાઈઝના ખેડૂતો ઉગાડવા લાગ્યા છે. તેની વેલ ધીમે ધીમે ઊગે છે. મીઠાં કારેલાં તરીકે ઓળખાતું શાક એટલે જ કંટોલા. કંટોલાના વિવિધ ફાયદા જાણ્યા બાદ સર્વગુણ સંપન્ન શાકની ખેતી દેશ-વિદેશમાં મોટા પ્રમાણમાં ખેડૂતો કરવા લાગ્યા છે. ભારતના પહાડી વિસ્તારમાં કંટોલાની ખેતી મોટા પ્રમાણમાં કરવામાં આવતી હોય છે. સામાન્ય રીતે શરીરની તાકત વધારવા માટે વિવિધ સપ્લિમેન્ટનો સહારો લેવામાં આવતો હોય છે. આપને જાણીને આશ્ર્ચર્ય થશે કે ફક્ત ચોમાસાની મોસમમાં જ મળતાં કંટોલાનો થોડા દિવસો પૂરતો આહારમાં ઉપયોગ કરવાથી શરીરમાં શક્તિનો સંચાર થવા લાગે છે.
આયુર્વેદમાં પણ કંટોલાના અગણિત ફાયદા જણાવવામાં આવ્યા છે. તેનું શાક જ નહીં, પરંતુ તેનાં પાંદડાં તથા મૂળના ફાયદા પણ આયુર્વેદમાં જણાવવામાં આવ્યા છે. માંસથી 50 ગણી વધુ તાકાત કંટોલામાં સમાયેલી હોય છે. તે પ્રોટીનનો ખજાનો ગણાય છે. જો થોડા દિવસ તેનું સેવન કરવામાં આવે તો શરીરમાં શક્તિનો સંચાર થઈ જાય છે. શરીર લોખંડી બની જાય છે.
• કંટોલાના સ્વાસ્થ્યવર્ધક ફાયદા :-
• ગર્ભાવસ્થામાં ગુણકારી ગણાય છે
ગર્ભાવસ્થા દરમિયાન શરીરમાં અનેક મહત્ત્વપૂર્ણ બદલાવ કે સ્થિતિ ઊભી થતી જોવા મળે છે. જેમાં એક છે ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ્સ. તાજાં કંટોલાનો આહારમાં ઉપયોગ કરવાથી શરીરમાં વિટામિન બી, વિટામિન સીની માત્રા શરીરમાં જળવાઈ રહે છે. શરીરમાં કોશિકાના વિકાસ માટે ગુણકારી ગણાય છે. ગર્ભવતી મહિલા ગર્ભાવસ્થા દરમિયાન કંટોલાનું સેવન કરે તો ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ્સની સંભાવના ઓછી થઈ જાય છે.
• ત્વચા માટે પણ ફાયદાકારક
કંટોલામાં બિટા-કેરોટિન, અલ્ફા-કેરોટિન, લ્યુટેન તથા જેક્સેથિન્સ જેવા ફ્લેવોનોઈડ્સ સમાયેલા જોવા મળે છે. વધતી વયને અટકાવવા માટે તથા ત્વચા ઉપર પડતી કરચલીને અટકાવવા પણ કંટોલાનો આહારમાં પ્રમાણભાન સાથે ઉપયોગ હિતકારી ગણાય છે.
• વજન ઘટાડવામાં લાભદાયી
કંટોલામાં ફાઈબરની માત્રા સારા પ્રમાણમાં સમાયેલી જોવા મળે છે આથી ભોજનમાં તેનો ઉપયોગ કરવાથી લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી. અકારણ ખાવાની આદતથી બચી શકાય છે. કંટોલામાં કૅલરીનું પ્રમાણ અત્યંત ઓછું જોવા મળે છે આથી વજન ઘટાડવા માગતા લોકો માટે તો કંટોલા એક ઔષધિ જેવા અસરકરાક ગણાય છે.
• કૅન્સરથી બચવા ઉપયોગી
કંટોલામાં લ્યુટેન સહિત અન્ય કેટલાંક કૅન્સર વિરોધી સત્ત્વ સમાયેલાં જોવા મળે છે જે કૅન્સરથી બચાવે છે. પરિણામે વર્ષાઋતુમાં મળતાં કંટોલાને સપ્તાહમાં ત્રણથી ચાર વખત ખાવાની સલાહ નિષ્ણાતો આપતા હોય છે.
• શરદી-તાવમાં ગુણકારી
મોસમમાં બદલાવને કારણે અનેક વખત શરદી-તાવની ફરિયાદ આમ વાત બની જાય છે. આવા સંજોગોમાં કંટોલાનો ઉપયોગ લાભકારી ગણવામાં આવે છે. કંટોલામાં ઍન્ટિ-એલર્જિક, એનાલ્જેસિક ગુણ સમાયેલા જોવા મળે છે. આથી શરદી-તાવ કે ખાંસી જેવી બીમારીમાં ગુણકારી ગણાય છે. કબજિયાત કે અપચાની ફરિયાદ ધરાવતા લોકો માટે પણ ચોમાસામાં કંટોલાનું સેવન રામબાણ ઈલાજ માનવામાં આવે છે.
• આંખોની તંદુરસ્તી માટે લાભદાયક
કંટોલામાં ભરપૂર માત્રામાં વિટામિન એ સમાયેલું જોવા મળે છે. વિટામિન એ આંખો માટે અતિ ગુણકારી ગણાય છે. આથી ચોમાસામાં કંટોલાનું સેવન કરવું હિતાવહ ગણાય છે. આંખોનું તેજ વધારવામાં મદદ કરે છે.
• પથરીની સમસ્યામાં ઉપયોગી
એવું કેહવાય છે કે પથરીની સમસ્યામાં કંટોલાના બીજના પાઉડરનો ઉપયોગ આહારમાં કરવાથી પથરીની સમસ્યામાં રાહત મળે છે. કંટોલાના બીજનો પાઉડર બનાવીને એક ગ્લાસ દૂધમાં તેને ભેળવી દેવો. ગરમા ગરમ દૂધમાં ભેળવીને પીવાથી પથરીમાં રાહત મળે છે. કંટોલાના ઔષધીય ગુણોને કારણે મૂત્રાશયમાં પથરીની સમસ્યા હોય તો તેમાંથી રાહત મળે છે.
• ડાયાબિટીસના દર્દી માટે ગુણકારી
ડાયાબિટીસના દર્દીમાં લોહીમાં શર્કરાની માત્રા વધી જાય તો તેમને શરીરમાં તકલીફ થવા લાગે છે. તેમને ઈન્સ્યુલિન લેવું પડે છે. કંટોલાના છોડમાં જ ઈન્સ્યુલિનની માત્રા સમાયેલી છે. જેમાં ફાઈબર તથા પાણીની માત્રા વધુ સમાયેલી હોય તેવો ખોરાક ડાયાબિટીસના દર્દી માટે શ્રેષ્ઠ ગણાય છે. કંટોલામાં ફાઈબર તથા પાણીની માત્રા સારા પ્રમાણમાં સમાયેલી છે.
• બ્લડપ્રેશરને નિયંત્રણમાં રાખવામાં મદદરૂપ
કંટોલામાં મોમોરડીસિન તથા ફાઈબરની માત્રા સારા પ્રમાણમાં સમાયેલી છે જે બ્લડપ્રેશરના દર્દીઓ માટે રામબાણ ઈલાજ ગણવામાં આવે છે.
નોંધ: આહારતજ્જ્ઞોનું માનવું છે કે શાકભાજીમાં પ્રાકૃતિક પાણીની માત્રા હોય છે. તેમને ફક્ત તેલમાં પકાવવાથી પાણીની માત્રા નષ્ટ થઈ જાય છે. આથી શાકની કડાઈમાં જરૂર પ્રમાણે પાણી મૂકીને કે કડાઈ ઉપર પાણીની પ્લેટ ઢાંકીને શાક બનાવવાથી તેમાં રહેલું પાણી જળવાઈ રહે છે. પૌષ્ટિકતા પણ જળવાય છે. આથી શાકને ઢાંકીને થાળીમાં ઉપર પાણી રાખીને ચડાવવું વધુ ગુણકારી ગણાય છે.
One thought on “કંટોલા ના ફાયદા જાણો છો ?”