ફૂલોની સુગંધથી સ્વાસ્થ્યમાં સુધારો
ગુલાબ :
બહુ ગુણકારી ફૂલ છે. ગુલાબી રંગનાં ફૂલની પાંદડીઓમાંથી બનાવવામાં આવેલું ગુલકંદ શરીરની ગરમી દૂર કરે છે. તે પાચન સુધારે છે, આંતરડાના ચાંદામાં રાહત આપે છે. ગુલાબનાં પાંદડાંને પાણીમાં ઉકાળી તેની વરાળ ઠારીને બનાવવામાં આવતાં ગુલાબજળ વડે આંખો ધૂઓ તો બળતરામાં રાહત મળે છે. ગુલાબજળનો ઉપયોગ ઉબટન અને ફેસપેકમાં કરો તો ઉત્તમ પરિણામ મળશે.
ચંપા :
ચંપાનાં ફૂલ લાલ, સફેદ અને પીળા રંગના હોય છે. શરીર પર ક્યાંય ખંજવાળ આવતી હોય તો ચંપાનાં ફૂલોને સૂકવીને તેનો પાવડર બનાવી ખંજવાળની જગ્યાએ લગાવવાથી રાહત મળે છે. સ્વર્ણ ચંપા નામ ધરાવતાં પીળા રંગનાં ફૂલ મળી જાય તો તેની પેસ્ટ કુ રોગમાં ખૂબ કારગત નીવડે છે.
ચમેલી :
સુગંધીદાર આ ફૂલો ખૂબ જ નાજુક હોય છે. ચમેલીનાં ફૂલમાંથી બનતાં તેલથી ચામડીના રોગો, દાંતના દર્દી, ધા સરળતાથી મટી જાય છે. ચમેલીનાં પાન ચાવવાથી મોઢામાં ચાંદા પડયા હોય તો રાહત રહે છે.
કમળ :
ગુલાબી અને સફેદ પાંદડાં ધરાવતાં કમળનાં ફૂલ ગુણકારી છે. આ કમળની પાંખડીઓને વાટીને ચહેરા પર લગાવવાથી તમારી સુંદરતા પણ કમળની જેમ ખીલી ઊઠશે.
લીમડાનો મોર :
લીમડાનો મોર એ લીંબોડીનાં ફૂલ છે. ત્વચાનો ગમે તેવો રોગ હોય જો તમે લીમડાના મો૨ને વાટીને તેની લૂગદી તેના પર લગાવો તો તે રોગ મટી જશે. લીમડાના દાતણ લાભ કરે છે. લીમડાનાં પાંદડાંને વાટીને તેનો રસ પીવાથી જઠરની ગરમી દૂર થાય છે, આખું વર્ષ તાવથી બચાવે છે. એ લેપ લગાવવાથી ખીલ અને ચામડીના રોગોમાં પણ લાભ થાય છે.
મોગરો :
મોગરો તેની મંત્રમુગ્ધ કરનાર સુગંધના કારણે લોકપ્રિય છે. તેનાં ફૂલ ગરમીમાં વધારે ઊગે છે. મોગરાનાં ફૂલ ખિસ્સામાં, હાથમાં કે પર્સમાં રાખવાથી પરસેવાની દુર્ગંધ નથી આવતી. જોકે હવે તો મોગરાનું પરફ્યુમ મળે છે, નહિતર અગાઉ મોગરાની વેણી અને કાંડે બાંધવાના ગજરાનું ખૂબ મહત્ત્વ હતું. આની કળીઓ ચાવવાથી મહિલાઓની માસિક અંગેની તકલીફો દૂર થાય છે.
ગલગોટો :
ચામડીના રોગોમાં અથવા શરીરે સોજો હોય તેવા ભાગ પર ગલગોટાને વાટીને તેની પેસ્ટ લગાવવાથી સોજો ઊતરી જાય છે. ઘરની આસપાસ મચ્છરોનો ઉપદ્રદ હોય તો ગલગોટાના છોડ રોપવાથી મચ્છર તેની સુગંધને કારણે દૂર ભાગી જશે.
પારિજાત :
પારિજાતનાં ફૂલ ખૂબ નાજુક કહેવાય છે. આ ફૂલની નાની કેસરી ડાંડીઓને શરીર પર ઘસવાથી સાંધા જકડાઈ જવાની સમસ્યામાં રાહત રહે છે. જૂના વખતમાં તાવ આવે તો આ ફૂલોનો ઉકાળો પીવડાવવામાં આવતો હતો.